'ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ

👳 ભડલી કોણ હતા ? 👱
'ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ 

વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે.

વરસાદની આગાહી કરતા શાસ્ત્રને ‘ભડલી શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પરંતુ, ભડલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ ‘ભડલીવાક્ય’ કહેવામાં આવ્યા છે.

ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામપ્રજાનાં હૈયે ને હોઠે ભડલી વાક્યો બહુ જાણીતા છે. ભડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોકજ્યોતિષી તરીકે ભડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ આજેય ગુંજે છે એમ ‘ભડલી વાક્યો’ સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે.

ભારત કૃષિસંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂતો અને ખેતીને વર્ષા સાથે પરાપૂર્વનો સંબંધ છે. વાદળ, વીજળી, વાયુ, હોળીનો પવન, મેઘગર્જના, મેઘધનુષ, વરસાદના ગર્ભના લક્ષણ, વૃષ્ટિના લક્ષણ, અનાવૃષ્ટિના લક્ષણ, મંગળ અને ગુરુની ચાલ, સંવત ઉપરથી સુકાળ-દુકાળ, સંક્રાંતિવિચાર, ગ્રહણ-વિચાર વગેરે પ્રાકૃતિક ચિહ્નો જોઈને ચાર છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો વરસે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે. આ આગાહી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોઈ તેઓ તેમાં અપાર આસ્થા ધરાવે છે. આ વાક્યોના વરતારાને આધારે ખેડૂતો વર્ષમાં કયું ધનધાન્ય વાવવું તે અગાઉથી નક્કી કરે છે.

આપણે ત્યાં પોપાબાઈ, બાબરો ભૂત, ખોખરો કોડિયો, જેવાં લોકજીભે રમતાં ઐતિહાસિક, અર્ધઐતિહાસિક અને કિંવદંતીરૂપે પાત્રોનો ઊંડો અભ્યાસ કે સંશોધન થયું નથી એવું ભડલીનું પણ છે. વાયુચક્રના વિશારદ મનાતા અભણ મહાપંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા, ક્યારે અને કયા પ્રદેશમાં થઈ ગયા તેની પ્રમાણભૂત માહિતી આજેય પ્રાપ્ત થતી નથી. એના અંગેની જુદા જુદા પ્રદેશોમાં કહેવાતી દંત કથાઓ પ્રાપ્ત થાય છે. 

1. ભગવદ્‌ ગોમંડલમાં ભડલી અંગેની હકીકત આ પ્રમાણે નોંધાઈ છે.

ભડલીએ હુદડ નામના સુપ્રસિદ્ધ ભવિષ્યવેત્તાની પુત્રી હતી. ૠતુ, વરસાદ વગેરે અંગે ભાખેલી તેની આગાહી આજેય લોકકંઠે પ્રચલિત છે. હુદડ જોષી સિદ્ધરાજ જયસંિહના સમયમાં અર્થાત્‌ સંવત ૧૨૦૦માં મારવાડ શહેરમાં રહેતો હતો. તેને પુત્ર ન હતો. સંતાનમાં માત્ર એક પુત્રી હતી. તેનું નામ ભડલી હતું. તેના ઉપર તેને ઘણી પ્રીતિ હતી. જોષીએ પોતાની વિદ્યા તેને ભણાવી હતી. આ ભડલીએ જ્યોતિષ સંબંધી વર્ષના વર્તારાની સાખીઓ દેશી ભાષામાં રચેલી છે. જે ભડલીવાક્યના નામે સુપ્રસિદ્ધ છે. સાખીઓ ઉપરાંત વર્ષાવિજ્ઞાન અંગેના દૂહા, ચોપાઈ, શુકન અપશુકન, દિશાશૂલ વગેરે વિષયો ઉપર કહેવતો પણ આપી છે. કેટલીક સામાજિક અને નીતિવિષક કહેવતો ભડલીનાં નામે પણ ચકી ગઈ છે.
નક્ષત્રો વિશેનું ભડલીનું જ્ઞાન અગાધ હતું. તેના કહેલાં વાક્યો સદીઓ જૂનાં અનુભવ વાક્યો છે. આવાં વાક્યો ભડલીના પિતા હુદડ જોષી પાસેથી મળ્યાં છે. તેનું બીજું નામ વાઘ પંડિત હતું. તે મહાન જ્યોતિષી હતો, પણ ધંધો ઘેટા-બકરાં ચરાવવાનો હતો. ઘેટા-બકરાં ચારતાં તે દિનરાત ખેતર, પહાડ અને જંગલ ઝાડિયોમાં પડ્યો રહેતો અને વાયુ, વાદળ, વીજળી, વરસાદ અને આકાશી નક્ષત્રો સાથે અહર્નિશ મૈત્રી સાઘ્યા કરતો. વર્ષોના એના નિરીક્ષણ ઉપરથી તેણે સૃષ્ટિના જે નિયમો જોયાં તે તેણે ભડલી પાસે મૂક્યા અને ભડલીએ તે સાદી લોકભાષામાં રજૂ કર્યાં. તેના ઉપરથી લોકો ચાલુ અને આવનારા વર્ષના વરસાદના વરતારા કાઢી શકે છે.

2. ‘જય રુદ્રમાળ’ કૃતિના સર્જક શિહોરી (ઉ.ગુજરાત)ના કો. શંકર ભગવાન સોલંકીએ ભડલીના પિતા પંડિતની દંતકથા આ પ્રમાણે નોંધી છે. 

સિદ્ધરાજ જયસિંહેે અન્ય પંડિતો પાસેથી પંડિતની વિદ્વતાના વખાણ સાંભળી એમને રુદ્રમાળનો અવિચળ પાયો નાખવા માટે બોલાવ્યા હતા. તેમણે વાર, તિથી, ચોધડિયું, ઘડી, પળ વગેરે વિચારીને પોતે બતાવેલી જગ્યાએ મેખ મારવા કહ્યું, ખીલી મરાઈ ગઈ પણ સિદ્ધરાજને આ રૂખડિયા જેવા લઘરવઘર લાગતા જોશીના કથનમાં કંઈક શંકા જન્મી. એણે જમીન માથે મારેલી ખીલી પાછી ખેંચી લીધી. એમાંથી લોહીની ધારા પ્રગટી, ને સિદ્ધરાજના વસ્ત્રો લોહીભીનાં થયાં. ત્યારે હુદડ ઉર્ફે માર્કન્ડ જોષીએ કહ્યું, ‘આ લોહી તો શેષનાગની ફેણનું છે.’ ફરીથી એ જગ્યાએ ખીલી મારી. શેષનાગ સરકી ગયો પણ ખીલી એની પૂંછળી પર વાગી. ત્યારે જોષી કહે, ‘રાજન્‌! તમે લોહીભીના થયા છો તેથી અજેય રહેશો, પણ તમે જેની રચના કરી રહ્યા છો એ રુદ્રમાળ અવિયળ નહીં રહે. વિધર્મીઓને હાથે એ નાશ પામશે.’’ આજે રુદ્રમાળનાં ભગ્ન ખંડિયરો આ દંતકથાની સાક્ષી પુરતા ઊંભા છે. આ દંતકથા પરથી ભડલી અંગેનો સાચો ઈતિહાસ મળતો નથી. ‘રાજસ્થાની કૃષિ કહેવતો’માં જગદીશસિહ ગોહલોત ભડલીને વિક્રમની ૧૫મી સદીની આસપાસ મૂકે છે. ભડલીની જન્મભૂમિ મારવાડ મનાય છે. ભડલી વાક્યની ભાષા બહુ પ્રાચીન જાણાતી નથી. અલબત્ત તે વાક્યો સદીઓથી લોકમુખે રમતાં રહ્યાં છે. મારવાડી રાજસ્થાનની મીરાં બાઈનાં પદ જેમ શબ્દ અને લઢણ બદલી ગુજરાત તથા ઉત્તર પ્રદેશ બેઉ સ્થળે તળપદાં બની ગયાં છે તેવું જ ભડલી વાક્યોનું થયું છે. ભડલી વાક્યોની મૂળભાષા સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્યથી આગલા સ્તરની સંભવતી નથી એટલે તેમની પહેલાં ભડલીને મૂકવા કોઈ કારણ જણાતું નથી. ભડલી વાક્યોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેની ભાષા ચૌદમા પંદરમાં સૈકાથી બહુ જૂની જણાતી નથી એમ શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે. ભડલીવાક્યોની પ્રાચીન હસ્તપ્રતો પણ મળી આવે છે.

3. ઉત્તરપ્રદેશની દંતકથા :

ઉત્તર પ્રદેશની જનતામાં પ્રચલિત દંતકથા પ્રમાણે ભડલીના પિતા કાશીના પંડિત (જોશી) અને માતા આહીરાણી હતી. કાશીમાં રહેલા એક જોશીને એક વખતે એવું સરસ મુહૂર્ત જડી આવ્યું કે તે મુહૂર્તમાં ગર્ભાધાન થાય તો ત્રિકાલજ્ઞાની પુત્ર પેદા થાય. આથી જોશી આ મુહૂર્તનો લાભ ઉઠાવવા માટે કાશીથી પોતાને ગામ પોતાની પત્ની પાસે જવા નીકળ્યા. પણ એમનું ગામ દૂર હતું. મુહૂર્ત વીતી જતા પહેલાં પોતે ઘેર નહિ પહોંચી શકે એમ જોશીને લાગ્યું. તે નિરાશ થઈને સાંજ પડતાં એક ગામમાં થાક ખાવા માટે બેઠા. નજીકમાં એક આહિરનું ઘર હતું. તેની યુવાન કન્યાએ તેમની ખાવાપીવાની વ્યવસ્થા કરી. બ્રાહ્મણનું મન ખૂબ ઉદાસ જોઈ આહીરાણીએ તેનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે તેને પોતાના મનની મૂંઝવણ જણાવી. તે સાંભળી આહીરાણીએ પોતે જ તે મુહૂર્તનો લાભ ઉઠાવવા ઈચ્છા બતાવી. પરિણામે ગર્ભાધાન થયું અને આહીરાણીને યોગ્ય સમયે પુત્રનો પ્રસવ થયો. તે જ પુત્ર ભડલી નામે ઓળખાયો.
ભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી. ત્યાં પાંચેક વર્ષનો થયો. તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો. તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્વાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા. ગ્રહબળ જોઈ જોશીઓને કહ્યું : ‘બાળક દુરાચારી થશે અને તેને લીધે તેનાં માતાપિતા ઉપર બહુ આફત આવશે.’ બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું. પછી દાસીઓ સુવાવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી. તે વખતે ભીંત ઉપર કાંઈક લખેલું જણાયું. એક ભણેલી દાસીએ વાચ્યું. તેમાં આ પ્રમાણે લખ્યું હતું : ‘આ બાળક બહુ ભાગ્યશાળી થશે. સંસારમાં કોઈ જ તેનો વાળ વાંકો કરી શકશે નહિ.’
આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ જાતે આવી ભીંત ઉપરનું આ લખાણ વાંચ્યું. તેને બહુ નવાઈ લાગી. બહુ તપાસ કરતાં ખબર પડી કે, બાળક ભડલીએ આ લખ્યુ હતું. રાજાએ તેને બોલાવી પૂછતાં તેણે તે લખ્યાનું કબૂલ કર્યું.
રાજાએ કહ્યું : ‘બાળક, તું નાદાન છે. તારી લખેલ વાત ખોટી છે. એ બાળક તો મરી ગયો.’
ભડલીએ કહ્યું : ‘ખોટી વાત છે. એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી.’
રાજાએ કહ્યું : ‘એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી ?’
ભડલીએ હિંમતથી કહ્યું : ‘આપને જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો.’
પછી બાળકની તપાસ કરવામાં આવી. રાજાના સેવકોએ જઈ જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો ત્યાં જ હાથપગ હલાવી રમતો હતો. એક નાગ તેની ચોતરફ કૂંડાળું વાળી ચોકી કરતો હતો. નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો. આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો. રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા.
તે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ સન્માન કરવા લાગ્યો. રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્યકથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું : ‘જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી. બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો, તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું હતું.’ આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા.

આ પ્રકારની જુદી જુદી દંતકથાઓ ઈતિહાસમાં મળે છે.

ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ વરસાદી આગાહીઓ થઈ છે. નોર્થ કેરોલિનામાં વ્હેન દી ફોરેસ્ટ મર્મર્સ, દી માઉન્ટેઇન રોઅર્સ, ધેન ક્લોઝ યોર વિન્ડો એન્ડ શટ્ યોર ડોર્સ, સ્પેનિશમાં અ યર ઓવ્ સ્નો ઇઝ અ યર ઓવ્ પ્રોસ્પેરિટી, એન્ડ અ યર ઓવ્ આઇસ ઇઝ અ યર ઓવ્ સોરો. નોર્વેજિયન સાગરખેડુઓમાં રેડ સ્કાય એટ નાઇટ, સેઇલર્સ ડિલાઇટ, રેડ સ્કાય મોર્નિંગ, સેઇલર્સ વોર્નિંગ. કે સિ-ગલ પક્ષીના આધારે સિ-ગલ્સ ફ્લાય ટુ લેન્ડ, અ સ્ટોર્મ ઇઝ એટ હેન્ડ જેવી કહેવતો પ્રચલિત હતી.

આમ, ભડલીવાક્યો વાતાવરણનું યોગ્ય માર્ગદર્શન આપી જીવનતારણ બનતાં આવ્યાં છે. એનો અર્થ એવો નથી કે, એ તદ્દન સાચાં છે, પણ એમાં અનુભવની સચ્ચાઈનો રણકો છે.

【 'ભડલીવાક્યો’ નામનું પુસ્તક 1964માં સસ્તુ સાહિત્યદ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે હાલમાં અપ્રાપ્ય છે 】

:- સંજય મોરવાડીયા (સંકલિત માહિતી)

Comments

Popular posts from this blog

પૂજામાં ક્ષતિ રહી જાય તો બોલો ક્ષમાયાચના મંત્ર

હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 4