કાળી નહીં કલ્યાણી ચૌદશ: જીવનમાં લાવશે અંધકારમાંથી નવો ઉજાસ
🕉 કાળી નહીં કલ્યાણી ચૌદશ: જીવનમાં લાવશે અંધકારમાંથી નવો ઉજાસ 🕉
ધનતેરસ પછીનો દિવસ એટલે આસો વદ ચૌદશ ,જેને આપણે કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે જાણીએ છીએ . આ દિવસ માટે એવી માન્યતા છે કે જેટલું તેલ બળે તેટલો ઘરમાંથી કકળાટ ઓછો થાય . આ દિવસે ખીર અને વડાં બનાવવામાં આવે છે. ઘરમાંથી ખીર અને વડાં એક કોડિયા કે પડિયામાં મૂકીને ચાર રસ્તે મૂકીને તેની ચારેબાજુ પાણીનું કુંડાળું કરવામાં આવે છે. કેટલાક આમાં દીવો પણ મુકે છે . આ વિધિને કકળાટ કાઢવાની વિધિ કહે છે. આ વિધિથી કકળાટ જાય કે નહીં તે તો કળવું અને કહેવું મુશ્કેલ છે , પણ એક વાત નક્કી દિવાળીનો આનંદ માણવો હોય તો આનંદ અને ઉલ્લાસના વાતાવરણ માટે મનમાંથી કકળાટ જાય તે જરૂરી છે . આપણે વિધિઓના તંત્રને પકડીએ છીએ પણ એની પાછળના તત્વને નથી પકડતા . મન આનંદિત તો બધે જ દિવાળી . મનમાં કલહ તો દિવાળીએ પણ હોળી. ખાસ કરીને આજના સમયમાં જ્યારે Stress એટલે કે તણાવ માણસને મારી નાખવા માટેનો એક મોટું કારણ બનીને બ્લડપ્રેશર , ડાયાબિટીસ , સ્ટ્રોક જેવા રોગોને શરીરમાં ખેંચી લાવે છે ત્યારે ઘરમાંથી કકળાટ તો કાઢ્યો મનમાંથી કકળાટ કાઢીએ તો મનની પણ દિવાળી અને તનની પણ દિવાળી ઉજવાય .
◆ કાળી ચૌદશની આ રાત કાળાંડિબાંગ અંધારાનાં ઘટાટોપ વાદળો સાથે ઉતરી આવે છે. ગામના વડલા ઉપરથી ચીબરી ઊડે કે ખેતરમાં ઊભેલો ચાડિયો હોય તેમાં પણ ભૂત દેખાય છે. આ દિવસે કેટલાક સાધકો સ્મશાન સેવે છે. તંત્રની આરાધના માટેની અને તાંત્રિક વિધિઓ ઉપર કાબૂ મેળવવા માટેની આ રાત છે . ભલભલાનાં કાળજાં કંપી જાય એવી સ્મશાન સાધનાની આ રાત કેટલાક સાધકો મેલી વિદ્યા કે તાંત્રિક વિદ્યા સાધવા માટે કરે છે.
આથી ઉલટું “ ભૂત પિશાચ નીકટ નહીં આવે , મહાબીર જબ નામ સુનાએ, નાસે રોગ હરે સબ પીરા , જપત નિરંતર હનુમંત બીરા ” મહાબલી હનુમાનજીને તેલ સિંદૂર ચડાવી પ્રસન્ન કરવાનો આ દિવસ છે . એના સ્મરણ માત્રથી ભૂત પિશાચ કે અન્ય બાધાઓ દૂર ભાગે છે . એવા રામભક્ત બજરંગબલીનું રક્ષાકવચ મેળવવાની પણ આ રાત છે. હનુમાનજી એટલે પરમ રામભક્ત. અંધારામાં બીતા એક બીકણ બાળકને એની નોકરાણીએ રામનામનો મહામંત્ર આપ્યો . આ મહામંત્રમાંની શ્રદ્ધા અને બળને કારણે એ બાળક જે મોટો થઈને મહાત્મા ગાંધી તરીકે ઓળખાયો. ભલભલી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી જેના પરથી સૂરજ આથમતો નહોતો તે બ્રિટિશ સલ્તનતને મારી ભગાવી આપણને આઝાદી અપાવી. આ દિવસે તેલ કે એરંડિયાના દીવાની મેશ પાડી બાળકને આંજવાની પણ એક પ્રથા છે. મારી મા કહેતી “ કાળી ચૌદશના આંજ્યા તે કોઈના ન જાય ગાંજ્યા” મહદ્અંશે એ સાચું હતું . જોકે આજના આધુનિક તબીબો આ પ્રકારની મેંશ આંજવાની સલાહ આપતા નથી .
◆ યમરાજાનો દીવો
આ દિવસે રાત્રે ઘરના સૌથી વડીલ સદસ્ય એક હાથમાં દીવો લઇને આખા ઘરના ખૂણે ખાંચરે ફરી વળે છે અને પછી ઘરની બહાર દૂર મુકી આવે છે. ઘરમાં બાકીના સભ્યો ઘરમાં જ રહે છે, બહાર નીકળતા નથી અને દીવાનાં દર્શન પણ કરતા નથી . આ દીવો યમરાજનો દીવો કહેવાય છે.
આવું કરવાથી ઘરની નકારાત્મક શકિતઓ અને આવનાર વિટંબણા ઘરની બહાર જતી રહે છે.
◆ કાળી ચૌદશના દિવસનું બીજું નામ નરક ચૌદશ પણ છે , કારણકે આ દિવસે રાક્ષસ નરકાસૂર હણાયો હતો . આસૂરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થયો હતો .
શ્રીમદભાગવતપુરાણ અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ભૌમાસૂર અથવા નરકાસૂર તરીકે ઓળખાતા અને પ્રાગજ્યોતિષપુર ઉપર શાસન કરતા રાક્ષસનો વધ કર્યો હતો . ભક્તજનોને અને પ્રજાને બન્નેને આ ભયાનક રાક્ષસ રંજાડતો હતો . મહિલાઓ વિશેષ કરીને એની રંજાડનું નિશાન બનતી હતી . એવું કહેવાય છે કે લગ્ન કરવા યોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને લગ્ન કરવાના હેતુથી એણે પોતાની કેદમાં રાખી હતી . ભગવાન શ્રીકૃષ્ણ અને સત્યભામાજીએ આ વાત ધ્યાને આવતાં આ રાક્ષસ પર હુમલો કરી શ્રીકૃષ્ણે તેનો વધ કરી તમામ રાજકુમારીઓને મુક્ત કરી હતી . પોતાના પરના આ ઉપકારને કારણે આ સોળ હજાર રાજકુમારીઓએ ભગવાન કૃષ્ણને પોતાના તારક અથવા સર્વસ્વ માન્યા હતા જે શ્રીકૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી તેવી ઉક્તિ માટે કારણભૂત હોઈ શકે . નરકાસુરે મરતાં પહેલાં ભગવાન કૃષ્ણ પાસે એવું વચન માગ્યું હતું કે આ તિથિએ પવિત્ર સ્નાન / મંગલ સ્નાન કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહીં . એવું પણ કહેવાય છે કે નરકાસુરના વધ બાદ એના રક્તથી કપાળે તિલક કરીને શ્રીકૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમને પવિત્ર સ્નાન કરાવવામાં આવ્યું .અને મહિલાઓએ આરતી ઉતારીને ઓવારણા લઈ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો . ગામડાં અને નાનાં શહેરોમાં હજુ પણ કાળી ચૌદશની ઢળતી રાતે આકાશમાં હજુ તારા દેખાતા હોય અને પ્રભાત થવાની તૈયારી હોય ત્યારે “ તારોડિયું ” સ્નાન કરવાનો મહિમા છે. આ પ્રકારનું સ્નાન કરવાથી ગંગાસ્નાન જેટલું ફળ મળે છે એવી માન્યતા છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહે છે. આજે કાળી નહીં કલ્યાણી ચૌદશ છે, જે તમારા જીવનમાં લાવે છે અંધકારમાંથી નવો ઉજાસ.
◆ કાળી ચૌદશ ચાર મહારાત્રિઓ પૈકીની પૈકીની એક છે.
1 . શિવરાત્રી, 2 . જન્માષ્ટમી
3 . શરદપૂર્ણિમા ( મોહરાત્રિ) અને
4 . કાળરાત્રિ- કાળી ચૌદશ ( દારુણ રાત્રિ )
આ કારણથી શક્તિ ( માતાજી ) અને હનુમાનજીના તંત્રપૂજનનું વિશેષ મહત્વ છે. આ રાત્રે વિઘ્ન અને બાધા નિવારણ માટે – ભૈરવ , રુદ્ર , હનુમાનજી ,મહાકાલીજી જેવાં ઉગ્ર દેવી દેવતાઓની પૂજા પ્રાર્થના કરવામાં આવે છે.શનિની પનોતી ચાલતી હોય તેમણે હનુમાનજી અથવા ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના કરવી જોઈએ .
◆ તાંત્રિક વિધિ
હિન્દુ ઉપરાંત જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ તાંત્રિક વિધિ થાય છે. જે માટે કાળી ચૌદશનું વિશેષ મહત્વ છે. કાલી, કાળી અથવા મહાકાલી તરીકે ઓળખાતું માં દુર્ગાનું આ સ્વરૂપ સર્વનાશ અને પ્રલયનું પ્રતીક છે. એક અર્થમાં જોઇએ તો તે પરિવર્તનનું પ્રતીક છે. ભારતીય મીમાંસામાં કાળીને કાળની દેવી , અંતિમ સત્ય અને બ્રહ્મરૂપે પણ પૂજવામાં આવે છે.
તેમ જ તંત્રશાસ્ત્રમાં કાળી પ્રમુખ આરાધ્યા 10 મહાદેવીમાંથી એક છે.
1 . કાલી, 2 . તારા , 3 . ત્રિપુરા સુંદરી ( ષોડશિ ), 4 . ભુવનેશ્વરી , 5 . ભૈરવી , 6 . છિન્નમસ્તા , 7 . ધુમાવતી , 8 . બગલામુખી 9 . માતંગી અને 10 . કમલા
◆ કાળી એટલે ?
નવદુર્ગામાંનું એક સ્વરુપ છે. કાળી નામ પાછળ તેમનો ઘેરો કાળો રંગ છે. જ્યારે સંસ્કૃત ગ્રંથો મુજબ कालः शिवः| तस्य पत्नीति - काली| કાળ એટલે કે શિવ જેને પરમ સત્ય ગણવામાં આવ્યું છે તેવા દેવની જે પત્ની છે તે કાળી . એટલે કે કાળી એ શિવનું જ નારી સ્વરૂપ છે. કાળી ઉપાસના અંગે આમ તો અથર્વવેદમાં ઉલ્લેખ જોવા મળે છે.
◆ પુરાણોમાં કાળીની ઉત્પત્તિ
પુરાણોમાં કાળીની ઉત્પત્તિ વિશે કહેવાયું છે કે દેવાસુર સંગ્રામ સમયે રક્તબીજ નામના અસુર સાથે યુદ્ધ સમયે જગદંબા દુર્ગાએ જ્યારે જોયું કે જેમજેમ અસુરનું રક્ત શરીરમાંથી બહાર પડે છે તેમતેમ તેના જેવા બીજા અસુર જન્મે છે. જેથી દેવીને અતિશય ક્રોધ આવ્યો અને તેમની ભ્રકૂટિમાંથી એક અતિશય કાળી દેવી ઉત્પન્ન થઈ જેના હાથમાં ખડગ બીજા હાથમાં ખપ્પર છે જેણે ઉત્પન્ન થઈ રક્તબીજના અનેક પ્રતિરૂપનો નાશ કરવા લાગ્યો અને તેના શરીરમાંથી નીકળતા રક્તનું દેવી પાન કરી ગયા .
◆ દક્ષિણાકાળી
રક્તબીજ સહિતના અનેક અસુરોનો નાશ કર્યા બાદ યુદ્ધોન્માદમાં પ્રસન્ન કાળી સમરાંગણમાં ભયાનક નૃત્ય આરંભ કરે છે જેમની ગતિના કારણે સમગ્ર વિશ્વ કંપવા લાગે છે. જેને રોકવા માટે શિવ અસુરોના મૃતદેહો વચ્ચે સુઈ જાય છે. જેથી જેવો કાળીનો પગ શિવ પર પડે છે ત્યારે તેઓ નૃત્ય કરતાં અટકી જાય છે અને પતિ પર પગ આવવાના કારણે શરમથી તેમની જીભ બહાર નીકળી જાય છે. આ કારણે કાળીની મોટાભાગની પ્રતિમા અને મૂર્તિઓમાં કાળી માતાની જીભ બહારની તરફ નીકળેલી દેખાય છે .
◆ કાળીઘાટનું મહત્વ
કાળીઘાટને ભારતમાં આવેલ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણવામાં આવે છે. અહીં સતીનો જમણો પગ પડ્યો હોવાનું માનવામાં આવે છે.વર્ષભર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા કાળીની પૂજાઅર્ચના અને પોતાના દુઃખ અને મુશ્કેલીઓના નાશ માટેની કામના લઈને અહીં આવે છે.
◆ કાળીની ઉપાસના / પૂજાનું મહત્વ
દેહમાં ચૌદ સ્થળે રહેતી વાસનાને કાબૂમાં રાખવા ઉપાસના . ભાગવત અનુસાર આપણા દેહમાં ચૌદ સ્થળે વાસના રહે છે. પાંચ કર્મેન્દ્રિયો , પાંચ જ્ઞાનેન્દ્રિયો મન , બુદ્ધિ , ચિત અને અહંકાર એને કશમાં અને વશમાં રાખવાનો સુંદર સંકેત આ કાળી ચૌદશ કરે છે. આ દિવસે સવારે સ્નાન કરીને યમ તર્પણ અને સાંજના સમયે દીપ દાનનું ખૂબ મહત્વ છે. એવુ કહેવાય છે કે આનાથી મૃત્યુ પછી યમનો ભય નથી રહેતો .
સહ-આભાર:- જયનારાયણ વ્યાસ, નવગુજરાત સમય.
Comments
Post a Comment