ધનતેરસ નિમિત્તે - લક્ષ્મીપૂજનની વિધિ
◆ ધનતેરસ નિમિત્તે - લક્ષ્મીપૂજનની વિધિ ◆
ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પૂર્વ કે ઉત્તર બાજુ મુખ રાખી બેસવું. સામે બાજોઠ કે પાટલો મુકવો. પાટલા ઉપર કે બાજઠ ઉપર પીળુ રેશમી વસ્ત્ર પાથરવું. રેશમી વસ્ત્ર ઉપર લક્ષ્મીજી, ગણેશ અને સરસ્વતી ત્રણેયની ભેગી તસવીરવાળો ફોટો (ઉપર મુજબનો)મુકવો. લક્ષ્મીજીનો સિક્કો કે સિધ્ધ કરેલ સંપૂર્ણ શ્રીયંત્ર મુકવું. ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની હોવાથી થોડા રૃપિયા કે સોના કે ચાંદીના સિક્કા પૂજા માટે રાખવા. બાજઠ ઉપર ચોખાની ઢગલી કરી અષ્ટદળ(આઠ પાંદડીવાળુ ફૂલ) બનાવવું. તેની ઉપર જળ ભરેલો તાબાનો લોટો મુકવો. તે લોટામાં સવા રૃપિયો રોકડો મુકવો. લોટાને નાળાછડી બાંધવી. તેના ઉપર નાગરવેલના દાંડલીવાળા સાત પાન ફૂલની જેમ(પાનની અણી બહારના ભાગે રહે તે રીતે) ગોઠવવા. દરેક પાન ઉપર કંકુથી ‘શ્રી’ લખવું. તેના ઉપર નાળાછડીથી બાંધેલુ પાણેચુ નાળીયેર આખું મુકવું. નાળીયેર ઉપર પણ કંકુથી શ્રી લખવું અને કંકુનો સાથિયો કરવો. કુંભને ચારે તરફ ચાંદલા કરી ફૂલ ચડાવવા. એ પછી ત્રણ આચમની લેવી અને મંત્ર બોલવો
ત્યાર બાદ ઓમ ગોવિંદાય નમઃ એમ બોલી હાથ ધોવા. તરભાણામાં કે થાળીમાં ત્રણ સોપારી, ગણપતિ તથા રિધ્ધિ અને સિધ્ધિના પ્રતિક તરીકે મુકવી. આ ત્રણેય સોપારીને જળથી સ્નાન કરાવવું, પછી પાંચ વખત પંચામૃતથી સ્નાન કરાવી ફરી શુધ્ધ જળથી સ્નાન કરાવી, નાગરવેલના પાન ઉપર બાજઠ પર મુકવી. ત્રણેય સોપારીનું અબીલ,ગુલાલ,કંકુથી પૂજન કરવું અને નાળાછડી વસ્ત્ર તરીકે અર્પણ કરવી અને એ પછી ગણપતિનો મંત્ર નીચે પ્રમાણે બોલવો.
‘વિધ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
નાગાનનાય શ્રુતિ યજ્ઞા વિભૂષિતાય,
લમ્બોદરાય સકલાય જગતજીતાય,
ગૌરીસુતાય ગણનાથ નમોનમોસ્તુતે,
લમ્બોદર નમસ્તુભ્યંસતતંમોદકપ્રિય,
ર્નિિવધ્નં કુરુમેદેવ સર્વકાર્યાર્થસિધ્ધયૈ ’
આટલી વિધિ બાદ તરભાણા કે થાળીમાં લક્ષ્મીજીનો સિક્કો કે સંપૂર્ણ શ્રીયંત્ર મુકી લક્ષ્મીજીનું ધ્યાન ધરવું અને નીચે મુજબ મંત્ર બોલવો.
‘યા દેવી સર્વ ભુતેષુ લક્ષ્મીરૃપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ નમો નમઃ
શ્રી મહાલક્ષ્મયૈ નમઃ આવાહનં સમર્પયામિ’
થાળીમાં સોના-ચાંદીના સિક્કાઓ પધરાવવા અને તેને શુધ્ધજળથી સ્નાન કરાવવું. એ પછી પાંચ ચમચી પંચામૃતથી સ્નાન કરાવવું. (દરેક વખતે ઘી, દૂધ, મધ, સાકર, દહીંથી સ્નાન કરાવતા હોય તેવી ભાવના રાખવી.) આ દરમિયાન ‘શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ’ એવો મંત્રજાપ સતત રટતા રહેવું. ત્યારબાદ શુધ્ધજળથી સોના-ચાંદીના સિક્કાઓ સ્વચ્છ કરીને નાગરવેલના બે-ત્રણ પાન ઉપર સિક્કાઓ કળશની બાજુમાં સ્થાપિત કરવા. આ સિક્કાઓ ઉપર અબીલ-ગુલાલ અને કંકુ પધરાવવા. લક્ષ્મીજીને લાલ કલરના ફૂલ પસંદ હોય ગુલાબના ફૂલ પધરાવવા. ત્યારબાદ કેળાનો પ્રસાદ ધરાવી થાળીમાં કપૂરની ગોટી પ્રગટાવી આરતી કરવી.(આરતી મનપસંદ ગાઈ શકાય) એ પછી નીચે મુજબના મંત્રનો ઓછામાં ઓછો અગિયાર વખત અને વધુમાં વધુ શક્ય હોય તેટલો સહપરિવાર શ્રધ્ધાપૂર્વક જાપ કરવો.
ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ.
શ્રીં હ્રીં શ્રીં ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ
શ્લોક પૂર્ણ થયે સર્વે પરિવારજનોએ મહાલક્ષ્મીજીને પગે લાગીને કહેવું કે અમારા ઘરમાં શુભ લક્ષ્મી સ્વરૃપે સ્થિર વાસ કરો.
Comments
Post a Comment