વાક્બારસ, વાગ બારસ કે વાઘ બારસ : દિવાળી પર્વનો પહેલો દિવસ
👉 વાક્બારસ, વાગ બારસ કે વાઘ બારસ : દિવાળી પર્વનો પહેલો દિવસ
શરદપૂર્ણિમાના દૂધ - પૌંઆ ખાઈને પૂર્ણ ચંદ્રની આ રાત્રીની શીતળ ચાંદની માણતાં માણતાં જાણે -અજાણે આપણે ગરબાને આવજો કહી દઈએ છીએ . નવરાત્ર પૂરાં થાય પછી શરદપૂર્ણિમા રઢિયાળી રાતના ગરબા રમવાનો છેલ્લો દિવસ છે.
હવે શરૂ થાય છે આસો વદનો ક્ષીણચંદ્રવાળી રાત્રીઓનો સમય , પણ જાણે કે આ ઘસાતા જતા ચંદ્ર તેજની ખોટ પૂરવાની હોય તે રીતે ક્ષિતિજે દિવાળીના સપરમા દિવસોના પર્વકાળનો ઉદય થાય છે. આ પર્વ એક કરતાં વધારે પ્રસંગો લઈને આવે છે. સમગ્ર ભારતમાં દિવાળીની ઉજવણી પાંચ દિવસોમાં વહેંચાયેલી છે. દિવાળી પ્રકાશનું પર્વ છે. લોકો દિવાળીની સજાવટના અભિન્ન અંગ તરીકે પ્રતીકાત્મક દીવા અથવા કાંડિલ અને સાથોસાથ ભાતીગળ રંગોળી અને બારણે ઝૂલતાં આસોપાલવ કે ફૂલનાં તોરણેથી આ પર્વ ઉજવે છે. અલબત્ત ફટાકડા તો ખરા જ.
એટલે જ કહેવાયું છે –“ફટાકડા ફટ ફટ ફૂટે , ઘર ઘર દીવા થાય .
દિવાળીના દિવસમાં , બાળક બહુ હરખાય .”
આ પર્વ પાંચ દિવસનું છે. પહેલો દિવસ તે વસુ બારસ , વાઘ બારસ , પોડા બારસ અથવા વાક બારસ . આસો વદ બારસનો દિવસ આ બધાં નામે ઓળખાય છે.
વસુનો અર્થ છે ગાય . એવી માન્યતા છે કે , ગૌમાતા બારસના દિવસે ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલાં . ગાયને રૂંવે રૂંવે દેવ છે અને એનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એટલે આ દિવસે ગાય અને વાછરડાંની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે વૈષ્ણવો ગાય અને વાછરડાંની પૂજા કરીને તેમને અડદનાં વડાં ખવડાવે છે એટલે એને ગૌ- વત્સ દ્વાદશી પણ કહે છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. એ રીતે પણ ગાય અને ગૌ-વંશની એક વિશેષ મહત્તા છે. ઈન્દ્ર પાસે પણ ઈચ્છિત ફળ આપનાર કામધેનુ છે એવી માન્યતા છે.
વાક્ બારસથી ગુજરાતીઓ ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. ઘરના ઊંબરાને ધોઈને એની બંને બાજુ સ્વસ્તિક અને એના ઉપર પાંચ ચાંલ્લા કરી આંગણામાં રંગોળી પૂરવાની પ્રથા છે. વાક્બારસ આમ સત્તાવાર રીતે દિવાળી પર્વનો પહેલો દિવસ છે .
આપણી આદિવાસી - વનવાસી સંસ્કૃતિ પોતાના જાન -માલની સલામતી માટે વાઘ દેવને પૂજે છે. ડાંગ જેવા જિલ્લામાં ગામના પાદરમાં વાઘદેવ, નાગદેવ , ચંદ્રદેવ , મોરદેવ જેવા પ્રાકૃતિક દેવોની પૂજા- અર્ચના થાય છે. આ બધામાં પોતાની તેમજ પોતાના પશુધનની સલામતી માટે તેઓ વાઘદેવની પૂજા કરે છે . આ કારણથી કદાચ વાઘબારસ એવું નામ આવ્યું હશે . એક દંતકથા મુજબ , ભગવાન વિષ્ણુએ વાઘના સ્વરૂપવાળા રાક્ષસનો વધ કર્યો હોવાને કારણે આ દિવસ વાઘબારસ તરીકે પણ ઓળખાય છે.વાક્ એટલે વાચા અને એની દેવી સરસ્વતી છે. સરસ્વતીની આ દિવસે આરાધના કરવાનું વિશિષ્ટ મહત્વ છે. કદાચ એટલે પણ વાક્ – વાગ બારસ તરીકે આ તિથિ ઓળખાય છે.
ગામડાઓમાં ગારાનાં ઘર હોય છે અને તેને છાણનું લીંપણ કરવામાં આવે છે. ચોમાસું ગયું છે અને સામે દિવાળી છે એટલે જૂંનું લીંપણ કાઢી નાંખીને, એનાં પોડાં ખોદી કાઢી નવું લીંપણ કરવામાં આવે છે. આ કારણથી આ દિવસ પોડા બારસ તરીકે પણ ઓળખાય છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે , છાણના લીંપણમાં પડતી તિરાડમાં “ વ્હાઈટ ફ્લાય ” નામની એક માખી ઉછરે છે જેના ડંખથી નાનાં બાળકોને ચાંદીપુરમ્ વાઈરસ નામનો અતિ ઘાતક રોગ થાય છે. ચોમાસા પછીનો સમય એનો ઈંડા મૂકવાનો સમય છે એટલે નવા લીંપણ થકી આ તિરાડો પૂરાઈ જતાં નાvex બાળકો માટે અતિઘાતક એવો આ રોગ અટકે છે.
છેલ્લે.. .
મા આને ગધેડા બારસ કહેતી. ગામડાઓમાં આજે પણ આ દિવસે ચોળી - ધમરોળીને બાળકોને નવડાવવાનો અને વાળ- બાળ કપાવી દિવાળી માટે તૈયાર કરવાનો રિવાજ છે આને લોકભાષામાં ‘ગધેડા કાઢ્યાં , સીધા મામાને ઘેર ’ એવું કહેવાય છે. મામાને ઘેર શા માટે ? રામ જાણે ... દિવાળી માટે પાણિયારે ગોઠવેલી ઉતરડ બરાબર ઉટકીને ચકચકાટ કરાય છે અને ઘરમાં ચૂનાનો એક હાથ પણ લાગી જાય છે. દિવાળીના આગમનની છડી પોકારતો આ દિવસ એટલે વાઘબારસ .
આભાર:- દિવાળી વિશેષ, જયનારાયણ વ્યાસ
Comments
Post a Comment