દિવાસો એટલે શ્રાવણીયા તહેવાર ની શરૂઆત
★ દિવાસો એટલે શ્રાવણીયા તહેવાર ની શરૂઆત ★
દિવાસો એટલે કે અષાઢની અમાસ. આ દિવસ આવનારા ઉત્સવોનો અને ખુશનુમા માહોલનો છડીદાર કહેવાય છે. રવિવારે દિવાસો અને ત્યારબાદ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે.
આપણા કૃષિપ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે. અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસને દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.
એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે કરે છે જ. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યા હોય છે, તેનું પૂજન કરે છે સાથે સાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે તો ક્યાંક માલપૂઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.
જોકે, દિવાસાથી દિવાળી સુધી તહેવારોની મોસમ જામશે, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્ત્વ એટલા માટે વધુ છે, કેમકે, સામાન્ય રીતે કોઇપણ વ્રતનું જાગરણ ૨૪ કલાક સુધી માટેનું હોય છે, પરંતુ એકમાત્ર દિવાસાના વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે, એટલે દિવાસાનું વ્રત કરનારે સતત ૩૬ કલાક સુધી જાગરણ કરવી પડે છે. આ ઉપરાંત સોમવારે શ્રાવણ મહિનાની શરૃઆત સાથે દશામાના વ્રતનો પણ આરંભ થઇ રહ્યો છે. ત્યારે ભક્તો દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે ૧૦ દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભક્તિ કરશે.
આમ તો દેવસૂતી અગિયારથી વિવિધ તહેવાનો આરંભ થઇ જાય છે. દેવસૂતી અગિયારથી દેવઊઠી અગિયાર એટલે કે, ચાર મહિના સુધી એક પછી એક તહેવારની હારમાળા સર્જાય છે, તેમાં પણ દિવાસાના બીજા દિવસથી શ્રાવણ અને ત્યારબાદ નાગ પંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ, રક્ષાબંધન અને જન્માષ્ટી સહિતના તહેવારો આવતા રહે છે, ત્યારે આગામી રવિવારે દિવાસો છે. આ દિવાસાની દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત કરવાની પરંપરા છે. દિવાસાનું જાગરણ અષાઢ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે કરવામાં આવે છે. જેમાં જયાપાર્વતીના વ્રત મુજબ જ જવારાની વાવણી કરાઇ છે. તેમજ કુંવારી અથવા નવપરિણીતા એવરતનું વ્રત જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. આમ તો આ બન્ને વ્રત પરિવારના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે કરાય છે, પરંતુ કુંવારિકાઓ સારા પતિની કામના અને નવપરિણીતાઓ પતિના લાંબા આયુષ્ટ માટે એવરત તો મહિલાઓ સંતાન અને પતિના સારા સ્વાસ્થ્ય માટે જીવરણનું વ્રત કરે છે. આ એક જ વ્રત એવું છે કે જેમાં વ્રત કરનારે સતત ૩૬ કલાક સુધી જાગરણ કરવું પડે છે આ સમય દરમિયાન અખંડ દીવો ચાલુ રાખવાની હોય છે. દિવાસાને દીપપૂજા અને હરિયાળી અમાસ તરીકે પણ ઊજવવામાં આવે છે.
દિવાસાના દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાના બીજા દિવસે એટલે કે શ્રાવણના પહેલા દિવસથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા -અર્ચના કરે છે. આ વ્રત દશ દિવસ નું છે. દશ દિવસ પૂરા થાય એટલે શ્રાવણ સુદી દશમ ના દિવસે આ વ્રત નું ઉજવણું કરાય છે. શાસ્ત્ર-પુરાણોએ જેના ગુણગાન ગાયા છે એવું આ અતિ ફળદાયી વ્રત છે. આ વ્રત કરનારના ત્રિવિધ તાપ દશામાં ટાળે છે. રિદ્ધિ-સિદ્ધિ દેનાર, સુખ, સમુદ્ધિ વધારનાર આ વ્રત કરનાર ભાવિકજનો નો સંકટકાળે દશામા સદાય હાથ ઝાલે છે અને દશામા જેનો હાથ ઝાલે છે એના પર તેત્રીસ કરોડ દેવતાની ક્રૃપા ઉતરે છે. દશામાની દયા થાય તો ગ્રહોનું નડતર દૂર થાય છે. મંગળ અને રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાં થી મા દશામા જ ઉગારે છે.
દશામાં નો વ્રત પુરો થતા મહિલા ઓ મોટી સંખ્યા માં મોડી રાત્રે શુભ મુહર્ત પ્રમાણે પોતાના માથા ઉપર દશામાં ને બેસાડી ને તળાવ માં પધરાવવા જાય છે,જયારે તેવો નીકળે ત્યારે “એક દો તીન ચાર દશામાં નો જય જયકાર” જેવા ગીતો ગાતા-ગાતા ભાવપૂર્વક દશામાં ને પાણી માં પધરાવે છે. જય દશા માં.
Comments
Post a Comment