બાળપણ ની યાદ તાજી કરતો નવરાત્રી વિશેષ લેખ

બાળપણ ની યાદ તાજી કરતો નવરાત્રી વિશેષ લેખ

ભારતીય પરંપરા અને સંસ્કૃતિના મુળિયા આમ તો ઘણા ઊંડા હોય, આજે પણ પ્રાચીન પરંપરાઓ ચાલતી આવે છે છતાં પણ અનેક સંસ્કૃતિ લુપ્ત થવાને આરે પહોંચી હોય તેમ કહી સકાય છે. પ્રાચીન પરંપરાની જાળવણી સૌરાષ્ટ્રના ગામડાઓ અને નાના શહેરોમાં જોવા મળે છે જયારે મહાનગરો આવા રીવાજો હવે ભૂલવા લાગ્યા છે તેવી જ એક પ્રાચીન સંસ્કૃતિ “ઘોઘા”અને “ગરબા” ની છે. ગરબો એટલે ઘણા કાણાં કરેલું એક નાનકડું માટલું અને ઘોઘો એટલે માટી નું નાનકડું મંદિર.

👉 ગરબા વિશે...
 સૌરાષ્ટ્રમાં નવરાત્રી સમયે નવ દિવસ માથે ગરબો મૂકી ઘેર ઘેર ગાવા જતી બળાઓનું દ્રશ્ય મનમોહક હોય છે જાણે સાક્ષાત જગદંબા ગરબો લઈને ધરતી પર આવી હોય. સાંજ પડે અને બળાઓ માથે ગરબો લઈને આસપાસ ની શેરી સોસાયટી અને આખા ગામ માં ગરબો ગાવા નીકળી પડે. સૌ પડોશી, આજુ બાજુંના દુકાનદાર બાળાને ખુશ કરવા ગરબામાં તેલ પુરે, રોકડા પૈસા આપે, ચોકલેટ બિસ્કિટ આપે અને બાળાઓને ખુશકરે.

👉 ગરબામાં તેલ પુરાવવાના ગીતો ...

ગરબડીયો ગોરાવો ગરબે જાય રે મે લાવો રે,
હું નેપ નો’તી મારે પારસભાઈ છે વીરા રે,

વીરા વીરાના તોરણિયા કાંઈ આંગણિયું શણગારું રે,
શેર મોતી લાડવા, કાંઈ ખારેકડીને ખીર રે,

ભાઈ બેઠો જમવા, ભોજાઈ એ ઓઢાડ્યા ચીર રે,
ચીર ઉપર ચુંદડી કાંઈ ચોખલીયાડી ભાત રે,

ભાતે ભાતે ઘુઘરીયું કાંઈ વે’લ દરકુંડી જાય રે,
વે’લમાં બેઠો વાણિયો કાંઈ શેર રીંગણા તોડે રે,

શેર રીંગણા તોડે તો કાંઈ પાસેર કંકું ઢોળે રે,
અમીબેન ચાલ્યા સાસરે કાંઈ ટીલી કરૂ લલાટે રે,

આછી ટીલી ઝગમગે કાંઈ ટોડલે ટહુંકે મોર રે,
મોરવદ આવ્યા મોતી રે, ઈંઢોણી મેલી રડતી,
રડતી હોય તો રડવા દેજે ને પાવલું તેલ પડવા દેજે..

◆◆◆◆◆

એક દડો ભાઈ બીજો દડો, ત્રીજે તોરણ બાંધજો,
આજના મારા વિપુલભાઈ,તમારી વહુ ને વારજો,

તમારી વહુ છે લાડકા, ઝાંઝરીયા ઘડાવજો,
ઝાડ ઉપર ઝૂમખું, ચોખાલીયાળી ભાત રે,

ભાત રે ભાત રે ભળકડા, વેલ છૂટતી જાય રે,
વેલમાં બેઠો વાણિયો, કાગળ લખતો જાય રે,

કાગળમાં બે પૂતળી, હસતી રમતી જાય રે,
વાંકાશેરનો વાણિયો, શેર કંકુ તોળે રે,

આછી ટીલી ઝગમગે, ટહુલે ટહુલે મોર રે,
મોર વધાવ્યા મોતીળે, ઇંઢોણી મેલી રડતી રે,

રડતી હોય તો રડવા દેજો, તેલનું ટીપું પડવા દેજો,
એલચીયો લવિંગીયો પૈણાવીયો ને જાનું બેનનો વીરીયો..

એ......તેલ પુરાવો તેલ...

◆◆◆◆◆

ચાંદા ચાંદાની રાત, ચાંદો કે'દિ ઉગશે રે,
ચાંદો પાછલી પરોઢ મોતીડાં વિણશે રે,

હિતેશભાઈ ચાલ્યા દરબાર, ઘોડે બેસી આવશે રે,
લાવશે કમળના ફૂલ, અનુપમા વહુ સૂંઘશે રે...

◆◆◆◆◆

એક ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો,
બે ના બાવીસ રે ગોરી ગરબો આવ્યો,

ત્રણ ના ત્રેવીસ રે ગોરી ગરબો આવ્યો,
ચાર ના ચોવીસ રે ગોરી ગરબો આવ્યો,

પાંચ ના પચીસ રે ગોરી ગરબો આવ્યો,
છ ના છવીસ રે ગોરી ગરબો આવ્યો,

સાત ના સત્યાવીસ રે ગોરી ગરબો આવ્યો,
આઠ ના અઠયાવીસ રે ગોરી ગરબો આવ્યો,

નવ ના ઓગણત્રીસ રે ગોરી ગરબો આવ્યો,
દસે જાજા હીરા રે ગોરી ગરબો આવ્યો,
જીવે તમારા વીરા રે ગોરી ગરબો આવ્યો..

★★★★

👉 નવરાત્રી ચાલુ થઇ ગઈ છે. બાળપણમાં નવરાત્રી દરમ્યાન, જો સૌથી વધારે આનંદદાયક કોઇ કાર્ય હોય તો, ઇ ઘોઘા ફેરવવાનું! મોટા શહેરો માં તો ખબર નથી, પણ નાના શહેરમાં અને ગામડામાં તો હજી મધ્યમ અને ગરીબ વર્ગ નાં બાળકો ‘સીખ’ મેળવવા માટે ઘરે ઘરે ‘ઘોઘા’ અને ‘ગરબા’ ફેરવે છે.

👉 ઘોઘા વિશે...
ઘોઘા (કે ગરબા) માં એક દિવો કરવાનો; એક નાની ડબ્બી માં થોડુંક તેલ લેવાનું; એક બાકસ અને દિવા માટે એક-બે વધારાની વાટો. આ બધુ એક થાળી માં લઇ ને સાંજ પડ્યે મિત્રો સાથે આજુ-બાજુ ની સોસાઇટીઓ માં ઘરે ઘરે જાવાનું. છોકરાઓ પાસે ઘોઘા હોય અને છોકરીઓ પાસે ગરબા હોય. દરેક ઘરે જઇને ઘોઘા નું ગીત ગાવાનું. ઘોઘા અને ગરબા નાં ગીતો જુદા જુદા હોય; આથી, બન્ને ગ્રુપ અલગ અલગ હોય.

જુદા જુદા ઘરે થી જુદી જુદી વસ્તુ મળે. કોઇ ચોકલૅટ તો કોઇ પેપરમીંટ (peppermint) આપે. તો કો’ક વળી કાજુ, અગરબત્તી, દિવા માં પૂરવા નું તેલ કે મગફળી નાં દાણા આપે. જો ક્યારેક કો’ક નાં હૈયા માં રામ વસ્યા હોય તો ‘રોકડા’ ય આપે!! ઘણાં લોકો એમ પણ કહી દ્યે કે “છેલ્લે દિ’ (દશેરા) આવજો”;  બાકી, છેલ્લે દિ’ તો સવાર થી નીકળી જાતા સીખ માંગવા અને છેલ્લે દિવસે નાની વાટકી કે થાળી આપે. બધેથી હોંશેહોંશે લઇ આવવાનું. દિવસે ભણી લેવાનું તો જ રાતે જવા મળે. કેટલી મજા આવતી !’

👉 ઘોઘા ફેરવતી વખતે જે ગીત ગાતા એમાંથી થોડુંક હજી યાદ છે. પૂરો અર્થ ખબર નથી અને જાણવાની કોશીષેય નથી કઇ’રી.

ઘોઘા ઘોઘા ઘો’સલામ
નાથી ભાઇ નાં વીસ સલામ
ટોકરી નો ટમકો
ઘૂઘરી નો ઘમકો
પરે પટોળીયે પોઢે છે
ગોદડીયા ને ગોળી વાઇ’ગી
જાય ગોદડીયો ભાઇ’ગો
દિકરી દિકરી દિવાળી
સોના ની ઘાઘરી સીવાણી
તેલ દ્યો, ધુપ દ્યો, બાવા ને બદામ દ્યો
ઘોઘા ની સીખ ! (જોર થી બોલવાનું)

👉 ગુજરાતમાં એક જમાનામાં ગરબો લઈને કુંવારિકાઓ મહોલ્લા-શેરીઓમાં ગાતી ફરતીને તેમાં તેલ પૂરવામાં આવતું અને છોકરાઓ માટીના ઘોઘા નાવી અંતર દીપ મૂકી ઘરે ઘરે ફરતા અને સોમનાથના યુદ્ધમાં વીરતા દાખવનાર ઘોઘા ચૌહાણની યાદમાં ગાતા,

ઘોઘો ઘોઘો ઘોઘ સલામ,
નાથીબાઈના વીર સલામ
આગલો બંદૂકદાર, પાછલો ચોકીદાર તેલ દ્યો, ધૂપ દ્યો બાવાને બદામ દ્યો,
તાવડીમાં ઠીકરી, જીવે તમારી દીકરી.

★★★★★

● ઉપરના ગીતોના લેખકની માહિતી ઉપલબ્ધ નથી, ગીત ના તમામ લેખકો નો આભાર.

:- સંકલિત માહિતી "સંજય મોરવાડિયા"

Comments

  1. ઘોઘા ઘોઘા ઘોઘ સલામ, નાથીબાઈના વીર સલામ
    પહેરે પટોળાં ઓઢે ચીર, છોડે બંદૂક ભાલા તીર
    ગોદડિયાને ગોળી વાગી, જાય ગોદડિયો નાઠો

    ટોકરીનો ટમકાર, ઘૂઘરીનો ઘમકાર
    આગલો ચોકીદાર, પાછલો બંદૂકદાર

    તેલ દે, ધૂપ દે, બાવાને બદામ દે, તેરા બચ્ચા જીતા રે
    અડી કડી સોનાની કડી, બામણ બેઠો ડેલી પડી

    ડેલીમાં તો ડોલાડોલ, માંહી વાગે જાંગી ઢોલ
    જાંગી ઢોલના આંકડા, સો ઘોડા વાંકડા

    એક ઘોડો ઓછો, પાઘડિયો પોચો
    પાઘડી ગઈ ઊડી, ઘોડો ગયો બૂડી

    ReplyDelete

Post a Comment